અમદાવાદ / દ્વારકા / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકામાં અત્યારે ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે. વરસાદ થયો નથી અને સરકારે દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું જોઈતું હતું, જે કર્યું નથી. ખેડૂતોએ ખૂબ મોંઘું બિયારણ લાવીને વાવેતર કર્યું હતું, પણ બિયારણ લગભગ બરબાદ થઈ ગયું છે. હવે જે પચાસ ટકા જેટલો પાક ઊભો છે, તેમાં 'સૌની યોજના'નું પાણી છોડવા માટે સ્થાનિક નેતાઓ અને ખેડૂતોએ માંગ કરી હતી. સરકારે વધામણા કરવા માટે માત્ર એક દિવસ પાણી છોડ્યું અને પછી બંધ કરી દીધું! ભાજપ સરકારને શરમ નથી આવતી કે તેઓ ખેડૂતોની આવી મજાક ઉડાવીને તેમના બળતા ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરી રહ્યા છે? તમને સન્માન જોઈતું હોય તો અમે ફૂલહાર કરી દઈશું, પરંતુ ખેડૂતોને વંગડી ડેમ, સાની ડેમ અને 'સૌની યોજના' હેઠળના તમામ ડેમોમાં પાણી આપવાના વાયદા આપીને પછી પાણી બંધ કરી દો, તો ખેડૂતો અને તેમના પરિવારની ભાવનાઓ સાથે કેટલો મોટો ખીલવાડ કહેવાય!
’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે સ્થાનિક નેતાઓ ભલે ડરના લીધે કંઈ ન કહી શકતા હોય, પણ હું મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને પૂછવા માંગું છું કે તમને એટલા માટે તો સત્તા પર નથી બેસાડ્યા કે તમે ખેડૂતોની મજાક ઉડાવો. એક દિવસ પાણી છોડીને બંધ કરી દેનારા તે વળી કેવા મુખ્યમંત્રી? કૃષિ મંત્રી, સિંચાઈ મંત્રી અને મુખ્યમંત્રીએ તાત્કાલિક દ્વારકાની મુલાકાત લઈને આ કટોકટીની પરિસ્થિતિ જાણવી જોઈએ, અધિકારીઓને કડક સૂચનાઓ આપવી જોઈએ, દેવા માફીની જાહેરાત કરવી જોઈએ અને ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ. જો થોડું પણ પાણી સિંચાઈ માટે મળી જાય તો ખેડૂતો પોતાનો પાક બચાવી શકે તેમ છે. પરંતુ આવી ક્રૂર મજાક કરનારી ભાજપ સરકારને હવે રાજ્યના ૫૪ લાખ ખેડૂતો અને તેમના સંતાનો જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ ભૂલીને મતદાન દ્વારા સખત જવાબ આપશે. મારી મુખ્યમંત્રીને વિનંતી અને માંગ છે કે તાત્કાલિક સૌની યોજનાનું પાણી ફરી છોડવામાં આવે અને દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને યોગ્ય મદદ પૂરી પાડવામાં આવે.
આમ આદમી પાર્ટી ગુજરાત