મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ મંડળમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘રન ફોર યુનિટી’નું આયોજન

મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રની એકતા,અખંડતા અને સુરક્ષા જાળવવાના શપથ લેવડાવ્યા.

અમદાવાદ મંડળમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘રન ફોર યુનિટી’નું આયોજન

અમદાવાદ |  પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં આજે 31 ઑક્ટોબર, 2026 ના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રિવરફ્રન્ટ, ઉસ્માનપુરા થી રિવરફ્રન્ટ હાઉસ બિલ્ડિંગ સુધી ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવવા તેમજ ભ્રષ્ટાચારમુક્ત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટેના શપથ લેવડાવ્યા હતા. તેમણે સૌને પોતાનાં દૈનિક કાર્યોમાં પ્રામાણિકતા, પારદર્શિતા અને સત્યનિષ્ઠાનાં મૂલ્યો અપનાવવા માટે આહ્વાન કર્યું હતું.

શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે સત્યનિષ્ઠા માત્ર કાર્યસ્થળ સુધી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ તેને આપણા જીવનનો અભિન્ન હિસ્સો બનાવવી જરૂરી છે. દેશને એકજુટ, સુરક્ષિત અને વિકસિત બનાવવા માટે દરેક નાગરિકે પોતાના દૈનિક જીવનમાં એકતા, અખંડતા અને રાષ્ટ્રીય સુરક્ષાનાં સિદ્ધાંતોને આત્મસાત કરવા જોઈએ.

તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ધર્મ, જાતિ અને સંપ્રદાયની વિવિધતાઓથી ઉપર ઊઠીને પરસ્પર ભાઈચારો, સામાજિક સમરસતા અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે આગ્રહ કર્યો હતો.

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમો દ્વારા અમદાવાદ મંડળના રેલવે અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા તેમજ પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનાં મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Tags: પશ્ચિમ રેલવે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ

સંબંધિત સમાચાર