ગુજરાત લોકભવન ખાતે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવના સાથે આજે મહારાષ્ટ્ર, ગોવા, સિક્કિમ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે, જે-તે રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીમાં તે રાજ્યના વ્યાવસાયિક કલાકારોને બદલે, ગુજરાતમાં વસતા તે પ્રાંતના રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોએ જ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તમામ રાજ્યોના નાગરિકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની દૂરંદેશીને કારણે હવે રાજભવન એ લોકભવન બની ગયા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાનું કલ્યાણ અને રાષ્ટ્રીય એકતાને સુદ્રઢ કરવાનો છે. ભારત એક વિવિધતાસભર દેશ છે, જ્યાં અલગ-અલગ ભાષાઓ, પહેરવેશ અને સંસ્કૃતિ હોવા છતાં, આપણે સૌ એક શરીરના અંગોની જેમ પરસ્પર જોડાયેલા છીએ.
રાજ્યપાલશ્રીએ આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી યુવાધનની પ્રશંસા કરતા કહ્યું કે, યુવાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રસ્તુતિઓમાં વ્યવસાયિકતા કરતાં આપણાપણાની ભાવના અને રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ વિશેષ વર્તાય છે.
રાજ્યપાલશ્રીએ ભારતના વૈદિક દર્શન અને વિશ્વ બંધુત્વની ભાવનાને યાદ કરી જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિએ હંમેશા વસુધૈવ કુટુંબકમના ભાવને સ્વીકાર્યો છે. તેમણે કહ્યું કે, વિકસિત ભારત @ ૨૦૪૭ ના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ પ્રામાણિકતા અને પુરુષાર્થ સાથે યોગદાન આપવું પડશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સુરક્ષાદળોના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય વહીવટી અધિકારીઓને સંબોધતા રાજ્યપાલશ્રીએ દેશની સુરક્ષામાં તેમના યોગદાન અને સમર્પણ ભાવને બિરદાવ્યા હતા. તેમણે કહ્યું કે, જેમનું જીવન સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત છે, તેવા લોકોની ઉપસ્થિતિ કાર્યક્રમની શોભા વધારે છે.
કાર્યક્રમની શરૂઆતમાં વિભિન્ન રાજ્યોના સંગઠનોના પ્રતિનિધિઓએ રાજયપાલશ્રીનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના ગુજરાતમાં વસતા નાગરિકોએ પોતાની સાંસ્કૃતિક વિરાસતને અનોખી રીતે રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે રાજ્યપાલશ્રીના હસ્તે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી તુષાર ધોળકિયા, જેલ અને રેલવેના ડી.જી.પી. શ્રી ડૉ. કે. એલ.એન. રાવ, પોલીસ ભરતી બોર્ડના ડી.જી.પી. સુશ્રી નીરજા ગોત્રુ, લોકભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષાદળોના અધિકારીઓ તેમજ ગુજરાતને પોતાનું ઘર બનાવીને રહેતા વિવિધ રાજ્યોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.