પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ઉમેદવારો અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે યુપીએસસીની આખી યાદીમાં કોઈ એકાદ ગુજરાતીનું નામ ભાગ્યે જ જોવા મળતું પરંતુ, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વના પરીણામે આજે ૩૫ ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. તેમના કાર્યકાળમાં જ સ્પિપાને વિશેષ મહત્વ આપી અનેક જરૂરી બદલાવ કરવામાં આવ્યા હતા. તેમણે ૧૫-૨૦ વર્ષ પહેલાં જે વિઝન રાખ્યું હતું, તેના પરીણામે આજે કોઈપણ રાજ્ય સરકાર દ્વારા ચાલતી સંસ્થાઓમાં સૌથી વધુ એટલે કે ૩૫ ઉમેદવારો એક જ વર્ષમાં પાસ થયા છે.
અધિકારી બન્યા પછી પણ સ્વભાવમાં નમ્રતા રાખવા અપીલ કરતાં તેમણે કહ્યું હતુ કે, તમે જીવનમાં ગમે તેટલી પ્રગતિ કરો પરંતુ તમારા મુળને કદી ન ભૂલતાં. જે વ્યક્તિ જમીન સાથે જોડાઈને ચાલશે તેને જીવનમાં ક્યારેય વાંધો નહીં આવે. નામ અને સ્તરમાં માન વધવાની સાથે લોકોના દિલમાં જે પ્રેમ છે તે ઓછો ન થાય તે રીતે કામ કરવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે સફળ ઉમેદવારોને તેમના મનગમતા ક્ષેત્ર કે સરકારી વિભાગોની તેમના ધ્યાને આવેલી વહીવટી સમસ્યાઓનો અભ્યાસ કરી તેના પ્રેક્ટિકલ સોલ્યુશન અંગેના મુદ્દાઓ તૈયાર કરીને તેના નિવારણ માટે શું કરી શકાય તે સુઝાવ આપવા અપીલ કરી હતી. આ સૂચનોનું અમલીકરણ આગામી દિવસોમાં સરકારમાં કરવામાં આવશે તેની ખાતરી તેમણે આપી હતી.
ઉમેદવારોની ટ્રેનિંગ અને એક વર્ષના (અજમાયી) પિરિયડને જીવનના સૌથી મહત્વના દિવસો ગણાવતા તેમણે કહ્યું કે, સિલેબસ પૂરો થાય પછી જ સાચી સામાજિક સમસ્યાઓ શરૂ થાય છે. આ દિવસોમાં તમામ અધિકારીઓને છેવાડાના નાગરીકની મૂળ સમસ્યા સુધી પહોંચી, તેની પરિસ્થિતિ સમજી તેનો સાચો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
તેમણે સ્પિપાની ટીમના પ્રત્યેક સભ્યનો આભાર માનતા કહ્યું હતું કે, સ્પિપાની ટીમે હંમેશા ગુજરાતના યુવાનોને વધુમાં વધુ મદદ મળે તે રીતે કામગીરી કરી છે. ઉમેદવારો માટે શ્રેષ્ઠ ટ્યુટર્સ અને લેક્ચરર્સ ઉપલબ્ધ થાય તે કામગીરી કરી છે.
સ્પિપાના મેનેજિંગ ડિરેક્ટર અને સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્માએ સફળ ઉમેદવારોને આપણા 'નવા સહકર્મીઓ' તરીકે આવકારી કહ્યું હતુ કે, સિવિલ સર્વિસીસ એ માત્ર કરિયર કે સ્ટેટસ મેળવવાનું માધ્યમ નથી, પરંતુ તે નાગરિકોની ‘સેવા’ કરવાનું સાધન છે. ઘણા લોકો યુપીએસસી પાસ કરવાને જ જીવનનો અંતિમ ધ્યેય માની લે છે, પરંતુ વાસ્તવમાં આ અંત નથી પણ એક નવી શરૂઆત છે. સિવિલ સર્વિસના માધ્યમથી ઉમેદવારોએ જીવનના આગામી ૩૦ થી ૩૫ વર્ષ દેશ અને સમાજની સેવામાં આપવાના છે.
ઉમેદવારોને માર્ગદર્શન આપતા તેમણે કહ્યું કે, ઉમેદવારોએ શાસક કે નિયમનકાર બનવાને બદલે જનતાના સેવક બનીને તેમની તકલીફો અને કાર્યોને સરળતાથી પૂર્ણ કરવામાં મદદરૂપ બનવું જોઈએ. વડાપ્રધાનશ્રી તમામ સિવિલ સર્વન્ટ્સને 'નવા ભારતના ઘડવૈયા' તરીકે જુએ છે. ઉમેદવારોને દેશ અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની અને વિકાસના કાર્યોમાં યોગદાન આપવાની આ એક ઉત્તમ તક મળી છે.
આ કાર્યક્રમમાં સ્પીપાના ડિરેક્ટર જનરલ શ્રી હરિત શુક્લાએ સ્વાગત ઉદ્દબોધન કરતા જણાવ્યુ કે, સ્પીપામાંથી અત્યર સુધીમાં કુલ ૩૪૮ ઉમેદવારે યુપીએસસી (UPSC) સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી છે. આગામી સમયમાં રાજ્ય સરકારની સહાયથી ગાંધીનગર ખાતે વધુ એક સેન્ટર પણ ખોલવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી આશિષ કુમાર, સ્પીપાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રી ચંદ્રેશ કોટક સહિત સફળ ઉમેદવારો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.