મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં ૮,૦૦૦થી વધુ સહકારી મંડળીઓ માત્ર કાગળ પર હોવાનો ધડાકો: ગોપાલ ઇટાલિયાએ સહકારી ક્ષેત્રની ગેરરીતિઓ ઉજાગર કરી

ગાંધીનગરમાં વિધાનસભા સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ચાલી રહેલી અનિયમિતતાઓ અને બોગસ મંડળીઓ અંગે વિગતો રજૂ કરી છે. તેમણે વિધાનસભા સત્ર દરમિયાન રજૂ થયેલા સરકારી આંકડાઓને ટાંકીને ખુલાસો કર્યો હતો કે, સમગ્ર રાજ્યમાં નોંધાયેલી આશરે ૯૧,૫૦૦ જેટલી સહકારી મંડળીઓમાંથી માત્ર ૮૩,૫૦૦ જ ખરેખર કાર્યરત છે, જ્યારે ૮,૦૦૦થી પણ વધુ મંડળીઓ માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવે છે.

ગુજરાતમાં ૮,૦૦૦થી વધુ સહકારી મંડળીઓ માત્ર કાગળ પર હોવાનો ધડાકો: ગોપાલ ઇટાલિયાએ સહકારી ક્ષેત્રની ગેરરીતિઓ ઉજાગર કરી

અમદાવાદ / જૂનાગઢ / ગાંધીનગર | ગાંધીનગરમાં વિધાનસભા સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ચાલી રહેલી અનિયમિતતાઓ અને બોગસ મંડળીઓ અંગે વિગતો રજૂ કરી હતી. તેમણે વિધાનસભા સત્ર દરમિયાન રજૂ થયેલા સરકારી આંકડાઓને ટાંકીને ખુલાસો કર્યો હતો કે, સમગ્ર રાજ્યમાં નોંધાયેલી આશરે ૯૧,૫૦૦ જેટલી સહકારી મંડળીઓમાંથી માત્ર ૮૩,૫૦૦ જ ખરેખર કાર્યરત છે, જ્યારે ૮,૦૦૦થી પણ વધુ મંડળીઓ માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, જે મંડળીઓ કોઈ પણ પ્રકારનું ધિરાણ કે વેપારલક્ષી કામકાજ કરતી નથી, તે મંડળીઓ માત્ર નકલી સભાસદો ઊભા કરવા અને રાજકીય વર્ચસ્વ સ્થાપિત કરવાના હેતુથી ખોલવામાં આવી છે. આવી બોગસ અને નિષ્ક્રિય મંડળીઓના જોરે જ જિલ્લા સહકારી બેંકો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) તેમજ તાલુકા અને જિલ્લા ખરીદ-વેચાણ સંઘોની ચૂંટણીઓ પર એકતરફી કબજો જમાવીને ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

જૂનાગઢ જિલ્લાની સ્થિતિનો ઉલ્લેખ કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ત્યાં મૃત્યુ પામેલી વ્યક્તિઓના નામે ૨૦૧૨ માં મંડળીઓ નોંધાવીને બોગસ મતદાન કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, સહકારી નિયમોથી વિપરીત એક જ વ્યક્તિને દસ-દસ અલગ-અલગ મંડળીઓમાં સભાસદ બનાવવામાં આવ્યા છે. વિધાનસભાના લિખિત જવાબમાં અત્યાર સુધી આવી ૫૬ બોગસ મંડળીઓ સામે આવી છે, પણ વાસ્તવિક આંકડો ૪૦૦થી પણ વધુ હોય શકે છે. જૂનાગઢ, માણાવદર, વંથલી, કેશોદ, વિસાવદર અને મેંદરડા સહિતની APMC અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં બોગસ મતદાન દ્વારા કબજો કરવામાં આવ્યો હોવાનું કહી તેમણે ઉમેર્યું હતું કે, એક સમયે અમૂલ, બનાસ અને સુમૂલ જેવી સંસ્થાઓથી વિશ્વભરમાં ગૌરવ વધારનાર પવિત્ર સહકારી માળખાને રાજકીય સ્વાર્થ માટે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જો સહકારી માળખું નબળું પડશે તો અંતે ગુજરાતનો ખેડૂત બરબાદ થશે, તેથી તેમણે રાજ્યના તમામ ખેડૂતોને આ બાબતે જાગૃત થવા અપીલ કરી હતી.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: વિધાનસભા APMC AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કાગળ પર ચાલતી સહકારી મંડળીઓ સહકારી બેંક સહકારી મંડળી

સંબંધિત સમાચાર