મુખ્ય સામગ્રી પર જાઓ

વિધાનસભા સત્રમાં પૂછાયેલા પ્રશ્નથી પૂંજ કમિશનનો રિપોર્ટ છુપાવવાનું કાળું સત્ય બહાર આવ્યું: ગોપાલ ઇટાલિયાના ગંભીર આક્ષેપ

ગાંધીનગરમાં ચાલી રહેલ વિધાનસભા મોન્સુન સત્ર દરમિયાન થયેલ પ્રશ્નોત્તરી અંગે મીડિયા સાથે વાત કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ગૃહ વિભાગને લગતા પ્રશ્નોના માધ્યમથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. ૨૦૧૫ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસા અને ૧૪ પાટીદાર યુવાનોની શહીદી અંગે સરકારે નિમેલા જસ્ટિસ કે.એ. પૂંજ કમિશને ૮ જુલાઈ ૨૦૨૦ના રોજ જ પોતાનો અહેવાલ સરકારને સોંપી દીધો હોવા છતાં સરકારે આજદિન સુધી તે દબાવી રાખ્યો છે.

વિધાનસભા સત્રમાં પૂછાયેલા પ્રશ્નથી પૂંજ કમિશનનો રિપોર્ટ છુપાવવાનું કાળું સત્ય બહાર આવ્યું: ગોપાલ ઇટાલિયાના ગંભીર આક્ષેપ

અમદાવાદ / ગાંધીનગર | ગાંધીનગરમાં ચાલી રહેલ વિધાનસભા મોન્સુન સત્ર દરમિયાન થયેલ પ્રશ્નોત્તરી અંગે મીડિયા સાથે વાત કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં ૧૦મી સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગૃહ વિભાગને લગતા મારા બે પ્રશ્નો અને ઉદ્યોગ વિભાગને લગતો એક પ્રશ્ન હતો. આમ, કુલ ત્રણ અતિ મહત્વના પ્રશ્નો મેં વિધાનસભામાં રજૂ કર્યા હતા, જેમાંથી અત્યારે મને ચોંકાવનારી માહિતી મળી છે. સૌથી પહેલો મુદ્દો પાટીદાર અનામત આંદોલનનો છે. મને યાદ છે કે અમે પોતે આંદોલનમાં જોડાયેલા હતા અને ૨૫મી તેમજ ૨૬મી ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ભયાનક હિંસા થઈ હતી. ભાજપના ગુંડાઓએ પોલીસ સાથે મળીને અનેક જગ્યાએ પાટીદાર સમાજના નિર્દોષ યુવાનો, માતાઓ અને બહેનોને ઢોર માર માર્યો હતો. પોલીસે ગેરકાયદેસર રીતે ગોળીબાર કર્યો અને પાટીદાર યુવાનોને ગોળીઓ મારી, જેમાં ૧૪ જેટલા યુવાનો શહીદ થયા હતા. અનેક જગ્યાએ ભાજપના ગુંડાઓ અને પોલીસ સાથે મળેલા તોડબાજોએ પોલીસના વાહનોને સળગાવ્યા હતા અને ૨૦૧૫માં અનામત આંદોલન દરમિયાન અનેક પ્રકારની હિંસાત્મક ઘટનાઓ બની હતી. ત્યારબાદ આ ભાજપની સરકારે જસ્ટિસ કે.એ. પૂંજ કમિશનની નિમણૂક કરી હતી. એ વખતે ભાજપના નેતાઓ અને સરકારે એવું કહ્યું હતું કે આંદોલન દરમિયાન જે કંઈ હિંસા થઈ છે તેની વિગતવાર તપાસ નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ કે.એ. પૂંજ કરશે. આ કમિશન સામે હું પોતે પણ એફિડેવિટ ઉપર એક સાક્ષી તરીકે જે-તે વખતે રજૂ થયો હતો અને તપાસમાં મારે જે કંઈ નોંધાવવા જેવું હતું તે મેં લખાવ્યું હતું.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, જસ્ટિસ કે.એ. પૂંજ કમિશને પાટીદાર અનામત આંદોલન દરમિયાન યુવાનો અને મહિલાઓ ઉપર પોલીસ દ્વારા થયેલા અત્યાચારની તમામ ઘટનાઓની તપાસ કરી એક અહેવાલ ગુજરાત સરકારને ૮-૭-૨૦૨૦ના રોજ આપી દીધો છે. તો પછી સરકારે આ રિપોર્ટ દબાવીને કેમ રાખ્યો છે? જે કમિશને પાટીદાર યુવાનો અને મહિલાઓ ઉપર પોલીસે કરેલા અત્યાચારની તપાસ કરી, તેમાં કયા પોલીસવાળાનો વાંક હતો, કોણે ઓર્ડર આપ્યા, કોના કહેવાથી આપ્યા, કઈ કઈ જગ્યાએ કેવો અત્યાચાર થયો—આ બધું જ લખીને ૨૦૨૦માં સરકારને સોંપવામાં આવ્યું છે. છતાં સરકારે આજ દિવસ સુધી આ રિપોર્ટ દબાવી અને છુપાવી રાખ્યો છે, જેને વિધાનસભા સામે જાહેર કરવો જોઈએ. આજે મેં પૂછ્યું કે આ અહેવાલ મળ્યા પછી સરકારે શું પગલાં લીધા, તો સરકારે મને લેખિતમાં આપ્યું છે કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. એનો અર્થ એ થયો કે દોષિતોને બચાવવામાં આવ્યા છે અને ભાજપના નેતાઓના ઈશારે ગોળીબાર કરનારા તેમજ મહિલાઓ અને પાટીદાર યુવાનોને મારનારા પોલીસવાળાઓને સરકારે આબાદ રીતે બચાવી લીધા છે. આજે વિધાનસભા ગૃહના પ્રશ્નના માધ્યમથી જે માહિતી સામે આવી છે, તે બદલ હું સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના સર્વે આગેવાનો, વડીલો અને ખાસ કરીને 'પાસ' (PAAS) સાથે જોડાયેલા યુવાનોને વિનંતી કરું છું કે તમે સરકારને કહો કે આ રિપોર્ટ જાહેર કરે અને દોષિત પોલીસવાળાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ગુજરાત

સંબંધિત સમાચાર