દિલ્હી સરકારે સોમવારે તમામ ખાનગી શાળાઓને 30 જૂન સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. શહેરમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આદેશનું પાલન કરવા જણાવાયું છે. સરકારના આદેશથી સ્પષ્ટ છે કે આ વખતે ઉનાળાની રજાઓ 10 દિવસ અગાઉથી શરૂ થઈ રહી છે. હવે બાળકોને જુલાઈ મહિનામાં સીધા જ શાળાએ પાછા ફરવું પડશે. શહેરમાં સતત વધી રહેલા તાપમાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારી આદેશ જણાવે છે કે તમામ શાળાઓના વડાઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે શૈક્ષણિક સત્ર 2024-25માં ઉનાળુ વેકેશન 11 મેથી 30 જૂન સુધી રહેશે. જોકે, કેટલીક શાળાઓ આકરી ગરમી વચ્ચે કાર્યરત છે. જેમાં સરકારી સહાયિત અને સ્વાયત્ત ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. આ તમામ શાળાઓને તાત્કાલિક અસરથી વર્ગો ચલાવવાનું બંધ કરવા અને ઉનાળુ વેકેશન જાહેર કરવાની સલાહ આપવામાં આવે છે.
દિલ્હીમાં 50 દિવસનું ઉનાળુ વેકેશન
આ વર્ષે સતત વધી રહેલા તાપમાનના કારણે દિલ્હીમાં 50 દિવસનું ઉનાળુ વેકેશન રાખવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં પાછલા વર્ષોની સરખામણીમાં ઘણી વધુ પરેશાન કરનારી ગરમી પડશે. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ હતું. ઉનાળામાં દિલ્હીનું સરેરાશ લઘુત્તમ તાપમાન આના કરતા ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું હોય છે. દિલ્હીમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકા છે. દિલ્હી ઉપરાંત, અન્ય ઘણા પડોશી રાજ્યોએ પણ ગરમીને કારણે સમય પહેલા ઉનાળાની રજાઓ જાહેર કરી છે. પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે.