વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે નવો રેકોર્ડ: દેશમાં સૌથી લાંબો સમય શાસન કરનારા પ્રથમ ચૂંટાયેલા પીએમ બન્યા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકીય ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પીએમ મોદી દેશમાં સતત સૌથી લાંબો સમય શાસન કરનારા પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે. તેમણે આ પદ પર સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે. ૧૦ જૂનના રોજ પીએમ મોદીએ કાર્યાલયમાં સતત ૪,૩૯૯ દિવસ પૂરા કરીને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ૪,૩૯૮ દિવસના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ ઐતિહાસિક અવસરે દેશ-વિદેશમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે.
આ મોટી સિદ્ધિની ઉજવણી અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે આજે બુધવારે બપોરે ૩ વાગ્યે દિલ્હીના ભારત મંડપમ ખાતે એક મહત્વની બેઠક યોજાશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના વરિષ્ઠ મંત્રીઓ હાજર રહેશે.
એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓનો જમાવડો
અમદાવાદ એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ બેઠકમાં દેશના ૨૨ એનડીએ શાસિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ભાગ લેશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને મધ્ય પ્રદેશના સીએમ મોહન યાદવ સામેલ થશે. આ સિવાય આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સહિતના સાથી પક્ષોના નેતાઓ પણ હાજર રહે તેવી શક્યતા છે.
આ મુદ્દાઓ પર થશે ચર્ચા
આ હાઈપ્રોફાઈલ બેઠકમાં સરકારની મુખ્ય યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે, જેથી વિકાસના કાર્યો છેવાડાના માણસ સુધી પહોંચાડી શકાય. આ ઉપરાંત, વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાના રોડમેપ અને વર્તમાન પશ્ચિમ એશિયાના સંકટ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.
વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત છબી
વિદેશ મંત્રાલયે પીએમ મોદીના ૧૨ વર્ષના કાર્યકાળને ભારતની વિદેશ નીતિ માટે પરિવર્તનકારી ગણાવ્યો છે. અમદાવાદ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, છેલ્લા એક દાયકામાં વૈશ્વિક સ્તરે ભારતનો પ્રભાવ ખૂબ વધ્યો છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ જેવા ક્લાયમેટ એક્શન અને યુપીઆઈ (UPI) જેવા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વૈશ્વિક વિસ્તરણથી ભારત ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવ્યું છે. આ સાથે જ વૈશ્વિક કટોકટીના સમયે ભારતે હંમેશા પ્રથમ મદદગારની ભૂમિકા ભજવી છે.