કોર્ટે JD(S)ના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્નાને 6 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. જાતીય સતામણીના કેસમાં આરોપી પ્રજ્વલ રેવન્ના ગુરુવારે રાત્રે જર્મનીથી બેંગલુરુ પરત ફર્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી SITએ રાત્રે તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 6 જૂન સુધી પોલીસ કસ્ટડીનો આદેશ કર્યો છે.
તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા કર્ણાટકના હાસનમાં તેના કથિત કૃત્યોના વીડિયો સામે આવ્યા બાદ તેમણે દેશ છોડી દીધો હતો. આરોપોની તપાસ કરી રહેલી SITએ જણાવ્યું હતું કે પોલીસકર્મીઓની એક ટીમે પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુ પહોંચતા જ કસ્ટડીમાં લીધો હતો.
શુક્રવારે તબીબી તપાસ પછી, પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની 42મી એસીએમએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેની કસ્ટડી માટે વિનંતી કરવામાં આવી હતી. કોર્ટે SITની અરજી સ્વીકારી લીધી અને પ્રજ્વલ રેવન્નાને 6 જૂન સુધી SIT કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. એસઆઈટી વતી એસપીપી અશોક નાઈકે જ્યારે પ્રજ્વલ વતી અરુણ નાઈકે દલીલ કરી હતી.
SITએ રેવન્નાને વિકૃત વ્યક્તિ ગણાવી હતી
એસઆઈટી વતી એસપીપી અશોક નાઈકે દલીલ કરી હતી કે સાંસદ પ્રજ્વલ રેવન્ના પર બળાત્કારનો આરોપ છે. લોકસભા ચૂંટણી પહેલા તેમનો અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. આ કેસમાં સોથી વધુ પીડિતો છે. થોડા મહિના પહેલા મીડિયામાં તેના પ્રસારણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેણે ન્યાયાધીશ સમક્ષ દલીલ કરી હતી કે તે વિકૃત છે અને તેના અશ્લીલ દ્રશ્યોની વિડિયો ટેપ કરી હતી.