વસતી ગણતરી-૨૦૨૭ દેશના દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યની છે. દેશભરમાં ચાલી રહેલી વસતી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ગુજરાતમાં તા.૧૭ મે-૨૦૨૬થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી મંડળના સભ્યશ્રીઓ, મુખ્ય સચિવશ્રી સહિત વરિષ્ઠ સચિવશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રીઓ, મહાનગરપાલિકા કમિશનરશ્રીઓ તેમજ જાગૃત નાગરિકોએ સ્વ-ગણતરી અંતર્ગત ફોર્મ ભરીને અન્યને સ્વ-ગણતરી માટે પ્રેરણા આપીને અપીલ પણ કરી છે.
આગામી તા.૩૧ મે-૨૦૨૬ સુધી ચાલનારી આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી અંદાજે ૨.૩૬ લાખથી વધુ મહાનુભાવો-નાગરીકો સ્વ-ગણતરી ઝુંબેશમાં સહભાગી થયા છે. જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ ૪૨ હજારથી વધુ જ્યારે સુરતમાં ૨૨ હજાર, વડોદરા અને આણંદમાં ૧૬-૧૬ હજાર, રાજકોટમાં ૧૪ હજાર, મહેસાણામાં ૧૧ હજારથી વધુ એમ રાજ્યભરમાં કુલ ૨.૩૬ લાખથી વધુ નાગરિકો સ્વ-ગણતરીમાં જોડાયા છે. રાજ્યભરમાં મહત્તમ નાગરિકો ટેકનોલોજીના ઉપયોગથી ઘરે બેઠા સ્વ-ગણતરી ફોર્મ ભરશે તો પોતાની સચોટ માહિતીની સાથે સાથે વસતી ગણતરી કરતા કર્મચારી પર કામનું ભારણ ઘટવાની સાથે કામમાં વધુ ઝડપ પણ આવશે. આ રાષ્ટ્રવ્યાપી સ્વ-ગણતરી ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તે માટે વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રાએ રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો.
વસ્તી ગણતરી નિયામક શ્રી મયાત્રાએ વધુમાં કહ્યું હતું કે, આ સ્વ-ગણતરી અભિયાનમાં નાગરિકોની સાથે સાથે વધુમાં વધુ કર્મયોગીઓ પણ સહભાગી થાય તે માટે રાજ્યમાં તા. ૨૯મેના રોજ આરોગ્ય અને શિક્ષણ વિભાગ તેમજ તા. ૩૦ મે-૨૦૨૬ના રોજ પોલીસ વિભાગ અંતર્ગત આવતા રાજ્યભરના તમામ કર્મયોગીઓ સ્વ-ગણતરી ફોર્મ ભરશે. વર્ષ ૨૦૨૭ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. માત્ર નિશ્ચિત ક્યુઆર કોડ દ્વારા પોતાની સ્વ-ગણતરીનું ફોર્મ ભરી
શકાય છે.
તેમણે ઉમેર્યું કે, આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત ૧૬ ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવામાં આવશે. નાગરિકો માટે 'સ્વ-ગણતરી' (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. સ્વ-ગણતરી બાદ પ્રાપ્ત થયેલ SE ID ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. સ્વ-ગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી, ગણતરીદાર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે. આ પ્રક્રિયાથી ડેટા સંગ્રહ ઝડપી બનશે અને ફિલ્ડ વર્કનું ભારણ ઘટશે.
નિયામક શ્રી મયાત્રાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાની કામગીરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 'ઘરયાદી અને મકાનોની ગણતરી' (HLO) ગુજરાતમાં તા. ૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં 'વસ્તીની ગણતરી' (PE) તા. ૯ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ દરમિયાન કરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.
ડેટા સુરક્ષા અંગે ખાતરી આપતા નિયામકશ્રીએ જણાવ્યું હતું કે, જનગણના અધિનિયમ, ૧૯૪૮ અને જનગણના નિયમો, ૧૯૯૦ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ કાનૂની અથવા કરવેરાના હેતુઓ માટે કરી શકાશે નહીં. દરેક વ્યક્તિ સાચી અને સંપૂર્ણ માહિતી આપવા માટે કાયદેસર રીતે બંધાયેલ છે અને માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ દંડની જોગવાઈ પણ છે. જનતાને કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર ૧૮૫૫ અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરવા જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.