મુખ્ય સામગ્રી પર જાઓ

વડોદરામાં આદિજાતિ વિકાસ માટે મંથન: ITDA/ITDP ના નવા રોડમેપ અંગે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો

વડોદરા ખાતે કેન્દ્રીય આદિજાતિ નિયામક ડૉ. વર્નાલી ડેકાની અધ્યક્ષતામાં ITDA/ITDP ના રોડમેપ માટે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાના અધિકારીઓએ વિકાસલક્ષી યોજનાઓના સુદ્રઢ અમલીકરણ અને વહીવટી ખામીઓ દૂર કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી.

વડોદરામાં આદિજાતિ વિકાસ માટે મંથન: ITDA/ITDP ના નવા રોડમેપ અંગે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો

ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા વડોદરા ખાતે ITDA/ITDP-ઇન્ટીગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ એજન્સી/પ્રોજેક્ટના ક્ષમતાવર્ધન અને આગામી રોડમેપ અંગેની રાજ્ય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આદિજાતિ મંત્રાલયના નિયામક ડૉ. વર્નાલી ડેકાની અધ્યક્ષતામાં આયોજિત આ વર્કશોપમાં રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાના અધિકારીઓએ વિકાસલક્ષી યોજનાઓના સુદ્રઢ અમલીકરણ અને ‘ગેપ એનાલીસીસ’ અંગે મંથન કર્યું હતું.

 

આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ નિયામક ડૉ. વર્નાલી ડેકાએ જણાવ્યું હતું કે, આદિજાતિ મંત્રાલયની ટીમ દેશના આદિજાતિ વસ્તી ધરાવતા વિવિધ ૧૭ રાજ્યોની રૂબરૂ મુલાકાત કરી રહી છે. આ મુલાકાત પાછળનો હેતુ આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટેની યોજનાઓમાં રહેલી વહીવટી કે ભૌગોલિક ખામીઓને સમજવાનો છે. વધુમાં, આ ટીમ દરેક રાજ્યમાંથી ITDA/ITDP ના રોડમેપ અંગેનો 'સ્ટેટસ રિપોર્ટ' પણ એકત્રિત કરી રહી છે, જે આગામી નીતિ-નિર્ધારણમાં ખૂબ મહત્વનો સાબિત થશે.

 

આ વર્કશોપમાં આદિજાતિ વિકાસ કચેરીના નિયામક શ્રી આશિષકુમારે ઓનલાઇન માધ્યમથી જોડાઈને રાજ્યમાં ITDA/ITDP હેઠળ થતી ઉત્કૃષ્ટ કામગીરીની રૂપરેખા આપી 'ગેપ એનાલીસીસ'ના આધારે આગામી સમયમાં વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

આ વર્કશોપમાં ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના કાર્યપાલક નિયામક ડૉ. સી. સી. ચૌધરીએ શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

 

આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત કમિશનર શ્રી સી. જી. રાબડીયા દ્વારા ગુજરાતમાં વસવાટ કરતી વિવિધ આદિજાતિઓ, તેમનો ભૌગોલિક વિસ્તાર, વસ્તીનું વિશ્લેષણ તેમજ વિભાગની વિવિધ કચેરીઓનું વહીવટી માળખું અને અધિકારીઓની ભૂમિકા વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

 

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ ITDA / ITDP દ્વારા અમલીકૃત વિવિધ આદિજાતિ વિકાસલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ, દેખરેખ અને મૂલ્યાંકનમાં રહેલી ખામીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો અને તેને સુધારવા માટે મહત્વના સૂચનો મેળવવાનો હતો.

 

આ વર્કશોપમાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના કાર્યપાલક નિયામક શ્રી સી. બી. બલાત, ગુજરાત જમીન વિહોણા અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત કમિશનરશ્રી, ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીના આસિસ્ટન્ટ કમિશનરશ્રી, વિવિધ જિલ્લાના પ્રાયોજના અધિકારીશ્રીઓ, મદદનીશ કમિશનરશ્રીઓ, TDO, ATDO અને TRIના કર્મચારીઓ સહિત ૪૦ થી વધુ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags: Gujarat Adivasi Vikas ગુજરાત આદિજાતિ વિકાસ ITDA ITDP Road Map Workshop Vadodara Tribal welfare schemes Gujarat

સંબંધિત સમાચાર