અમદાવાદ | પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના ૨૫ ગૌરવવંતા વર્ષોની ઉજવણીના ભાગરૂપે ચાલતા ‘સેવા સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિસ્તારના ૧૨મા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, મધ્ય ઝોન અને ઉત્તર ઝોનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને સરકારી યોજનાઓના લાભો મેળવવામાં સરળતા રહે અને તેમની વ્યક્તિગત અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ થાય તે સુનિશ્ચિત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સેવા સેતુ’ સ્થળ પર ઉપસ્થિત રહીને વિવિધ સરકારી યોજનાઓ હેઠળના લાભાર્થીઓને સ્થળ પર જ પ્રમાણપત્રો તથા સહાયના ચેક અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે ખૂબ જ આત્મીયતાપૂર્વક વાતચીત કરીને યોજનાઓના લાભ મળવા અંગે પ્રતિભાવો મેળવ્યા હતા. આ ઉપરાંત, તેમણે સેવા સેતુ સ્થળ પર નાગરિકોની સુવિધા માટે ઊભા કરવામાં આવેલા વિવિધ યોજનાકીય ડેસ્કનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રીશ્રીના ‘છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવાના’ સંકલ્પને સાકાર કરતા આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓ અને સહાયનો લાભ મેળવ્યો હતો.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ,સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય સર્વેશ્રી અમુલ ભટ્ટ, દિનેશસિંહ કુશવાહ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની,નાયબ મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, અગ્રણી પ્રેરક શાહ સહિત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.