મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદમાં નવનિર્મિત RTO કચેરીનું લોકાર્પણ: હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન સંબંધિત કામો થશે વધુ ઝડપી

અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્મિત અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ કચેરીને ખુલ્લી મુકતા જણાવ્યું હતું કે, સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને ઝડપી સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.

અમદાવાદમાં નવનિર્મિત RTO કચેરીનું લોકાર્પણ: હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન સંબંધિત કામો થશે વધુ ઝડપી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. નવી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વિવિધ સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.

તેમણે જણાવ્યું કે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લાયસન્સ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને માત્ર યોગ્યતા ધરાવતા અરજદારોને જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે. સરકારની તમામ સુવિધાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે જનપ્રતિનિધિઓ અને તંત્રે સંકલનથી કાર્ય કરવું જરૂરી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને નવી આરટીઓ કચેરીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા અપીલ કરતાં જણાવ્યું કે જાહેર સંપત્તિનું જતન કરવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.

ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નિર્માણ પામેલી આ આધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

વાહનના નોન-ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ સંબંધિત કામો, નવા વાહનની નોંધણી, પરમિટ, ફિટનેસ, બ્લેકલિસ્ટ, લાયસન્સ, ડી.એલ./ચલણ શાખા, આર.એમ.એ., AMC ટેક્સ તથા કેશ શાખા સહિતની વિવિધ સેવાઓ માટે અલગ-અલગ ટેબલો દ્વારા નાગરિકોને સરળ, ઝડપી અને સુવ્યવસ્થિત સેવાઓ મળી રહે તેવી સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેનાથી વિવિધ સેવાઓ એક જ સ્થળે વધુ સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, મેયર શ્રી હિતેશભાઇ બારોટ, સાંસદ શ્રી દિનેશભાઇ મકવાણા, શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, ધારાસભ્યો સર્વ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ (ભગત), અમિતભાઇ ઠાકર, કૌશિકભાઈ જૈન, હર્ષદભાઈ પટેલ, ડૉ. હસમુખભાઈ પટેલ, બાબુભાઇ પટેલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી હારીત શુક્લ, વાહન વ્યવહાર કમિશનર ડૉ. રાજેન્દ્રકુમાર સહિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags: હર્ષ સંઘવી Harsh Sanghavi Transport Department Gujarat Ahmedabad RTO Automated Driving Test Track RTO Office Inauguration વાહન વ્યવહાર વિભાગ આરટીઓ કચેરી લોકાર્પણ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અમદાવાદ આરટીઓ

સંબંધિત સમાચાર