આસારામને પત્નીને મળવા માટે 20 દિવસના વચગાળાના જામીન ગુજરાત હાઈકોર્ટે નકાર્યા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 83 વર્ષીય પત્નીને મળવા માટે સ્વઘોષિત ધર્મગુરુ આસારામે જામીન માંગ્યા હતા. જસ્ટિસ ગીતા ગોપી અને એલ.એસ. પીરઝાદાની ડિવિઝન બેન્ચે આસારામની અરજી ફગાવી દીધી હતી, જેઓ હાલ રાજસ્થાનના જોધપુર જેલમાં બંધ છે.
હાઈકોર્ટે આસારામને તેમની પત્ની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરવા માટે જેલ અધિક્ષકનો સંપર્ક કરવાની છૂટ આપી છે. આસારામે માનવતાના ધોરણે જામીન માંગ્યા હતા, કારણ કે તેમની પત્ની અમદાવાદના નરોડાની એક ખાનગી હોસ્પિટલમાં ગંભીર રીતે બીમાર હતી. તેમણે તેમની પત્નીના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
અદાલતે નોંધ્યું કે ડોકટરો અને સ્થાનિક પોલીસ દ્વારા રજૂ કરાયેલા અહેવાલો મુજબ, તેમની પત્નીની તબિયત સુધરી રહી છે. ડોકટરોએ જણાવ્યું હતું કે તેમને બે થી ત્રણ દિવસમાં રજા આપવામાં આવશે. આ અગાઉ પણ હાઈકોર્ટે એક મહિનામાં બીજી વખત આસારામને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે.
કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, "અમે જોધપુર જેલમાં બંધ અરજદારની અરજીને મંજૂરી આપવાનું કોઈ કારણ જોતા નથી. જોકે, જો અરજદાર પોતાની પત્ની સાથે વાતચીત કરવા માંગે છે, તો તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરવાની પરવાનગી માટે જેલ અધિક્ષકને વિનંતી કરી શકે છે."