ગુજરાતમાં અંતર્ગત ધોરણ 1માં મફત પ્રવેશ માટેની સરકારી ઓનલાઈન પ્રક્રિયાનો બીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. બીજા રાઉન્ડમાં કુલ 4244 બાળકોને પ્રવેશ મળ્યો છે. જોકે, બીજા રાઉન્ડ પછી પણ હજુ 7022 બેઠકો ખાલી રહી ગઈ છે. આ ખાલી બેઠકો ભરવા માટે 6ઠ્ઠી જૂનથી ત્રીજો ઓનલાઈન રાઉન્ડ શરૂ કરવામાં આવશે, એમ અમદાવાદ એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1ની 25 ટકા બેઠકો પર મેરિટ અને કેટેગરીના આધારે આવક મર્યાદા સહિતના નિયમોને ધ્યાનમાં રાખીને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આ વર્ષે 9770 ખાનગી શાળાઓની 83 હજારથી વધુ બેઠકો સામે 1.82 લાખથી વધુ વાલીઓની અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં 77,925 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.
પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકો અને વાલીઓ દ્વારા પ્રવેશ કન્ફર્મ ન કરાવવાના તેમજ કન્ફર્મ કરાવ્યા બાદ રદ કરાવવાના કારણે ખાલી પડેલી કુલ 11 હજારથી વધુ બેઠકો માટે બીજો રાઉન્ડ યોજાયો હતો. બીજા રાઉન્ડમાં 5814 બેઠકોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, જેમાંથી 4244 બાળકોનો પ્રવેશ કન્ફર્મ થઈ ગયો છે.
RTEના બીજા રાઉન્ડ પછી હવે કુલ 7022 બેઠકો ખાલી છે. આમાં અંગ્રેજી માધ્યમની 3911, ગુજરાતી માધ્યમની 1358, હિન્દી માધ્યમની 1578 અને અન્ય માધ્યમની 175 બેઠકોનો સમાવેશ થાય છે. ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે પાત્રતા ધરાવતા 1.02 લાખથી વધુ વાલીઓને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની પ્રવેશ શાખા દ્વારા SMS મોકલીને શાળા પસંદગી માટે જાણ કરવામાં આવી છે. વાલીઓ 6 થી 8 જૂન સુધીમાં ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે. તેઓ નવી શાળાઓ પણ પસંદ કરી શકશે અને અગાઉ પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર પણ કરી શકશે. અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધીમાં ફાળવાયેલા કુલ 2091 પ્રવેશમાંથી 1899 પ્રવેશ અને શહેર (કોર્પોરેશન વિસ્તાર)માં ફાળવાયેલા 14,579 પ્રવેશમાંથી 13,660 પ્રવેશ કન્ફર્મ થઈ ચૂક્યા છે. આમ, કુલ 83,687 બેઠકોમાંથી 77,425 બેઠકોમાં પ્રવેશ થઈ ગયો છે.