મુખ્ય સામગ્રી પર જાઓ

સાબરમતી વેગન ડેપોમાં મિક્સ્ડ રિયાલિટી વેલ્ડિંગ સિમ્યુલેટરની સ્થાપના

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે કેરેજ અને વેગન (C&W) જાળવણી કાર્યો માં કાર્યરત વેલ્ડરોના કૌશલ્ય, તકનીકી દક્ષતા તથા કાર્યની ગુણવત્તાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરતા સાબરમતી (SBI) વેગન ડેપોમાં મિક્સ્ડ રિયાલિટી (MR) આધારિત વેલ્ડિંગ સિમ્યુલેટર સ્થાપિત કરીને તેનું કમિશનિંગ કરવામાં આવ્યું છે.

સાબરમતી વેગન ડેપોમાં મિક્સ્ડ રિયાલિટી વેલ્ડિંગ સિમ્યુલેટરની સ્થાપના

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે કેરેજ અને વેગન (C&W) જાળવણી કાર્યો માં કાર્યરત વેલ્ડરોના કૌશલ્ય, તકનીકી દક્ષતા તથા કાર્યની ગુણવત્તાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરતા સાબરમતી (SBI) વેગન ડેપોમાં મિક્સ્ડ રિયાલિટી (MR) આધારિત વેલ્ડિંગ સિમ્યુલેટર સ્થાપિત કરીને તેનું કમિશનિંગ કરવામાં આવ્યું છે.આ અમદાવાદ મંડળમાં પોતાની જાતની એક નવીન તાલીમ સુવિધા છે, જેના માધ્યમથી વેલ્ડરોને વાસ્તવિક વેલ્ડિંગ કામગીરી જેવી પરિસ્થિતિઓમાં આધુનિક અને સુરક્ષિત ટેક્નોલોજી દ્વારા તાલીમ આપી શકાશે.

અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે આ પહેલને કેરેજ અને વેગન જાળવણી કાર્યોમાં તકનીકી કૌશલ્ય અને સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે નિર્દેશ આપ્યા છે કે મંડળના તમામ C&W ડેપોમાં કાર્યરત સંબંધિત સ્ટાફને આ અત્યાધુનિક સિમ્યુલેટર દ્વારા તબક્કાવાર પ્રશિક્ષણ આપવામાં આવે.તેમણે ખાસ કરીને ભાર મૂક્યો છે કે વાસ્તવિક જાળવણી કાર્યમાં તૈનાત કરતા પહેલાં વેલ્ડરોને સિમ્યુલેટર આધારિત તાલીમ અને મૂલ્યાંકન માટે પૂરતી તક આપવામાં આવે, જેથી તેમના કૌશલ્યનો વધુ સારી રીતે વિકાસ કરી શકાય અને વેલ્ડિંગ કામગીરીમાં ગુણવત્તા તથા વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી શકાય.

આ અત્યાધુનિક સિમ્યુલેટર વેલ્ડરને વાસ્તવિક ઔદ્યોગિક વેલ્ડિંગ ટોર્ચનો ઉપયોગ કરીને 360 ડિગ્રી ઇમર્સિવ વર્ચ્યુઅલ વાતાવરણમાં પ્રશિક્ષણ લેવાની સુવિધા પ્રદાન કરે છે. પ્રશિક્ષણ દરમિયાન વાસ્તવિક ઇલેક્ટ્રિક આર્ક ઉત્પન્ન થતો નથી, જેના કારણે ધુમાડો, તણખા અથવા હાનિકારક ફ્યુમનું ઉત્સર્જન થતું નથી તેમજ ઇલેક્ટ્રોડ, વેલ્ડિંગ વાયર અથવા સ્ટીલ પ્લેટ જેવી સામગ્રીનો વપરાશ પણ થતો નથી.આ રીતે વેલ્ડરોને પરંપરાગત પ્રશિક્ષણની તુલનામાં વધુ સુરક્ષિત, નિયંત્રિત અને સંસાધન-કાર્યક્ષમ વાતાવરણ ઉપલબ્ધ થાય છે.

સિમ્યુલેટરમાં અત્યાધુનિક ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ ટ્રેકિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જે વેલ્ડિંગ ટોર્ચની દરેક હિલચાલને ચોકસાઈપૂર્વક ટ્રેક કરે છે. પ્રશિક્ષણ દરમિયાન વેલ્ડરને વાસ્તવિક સમયમાં આર્ક લેન્થ, ટોર્ચ એંગલ તેમજ ટ્રાવેલ સ્પીડ જેવા મહત્વપૂર્ણ પેરામીટર્સ અંગે લાઇવ ફીડબેક આપવામાં આવે છે.વેલ્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સિસ્ટમ વેલ્ડનો કટ-સેક્શન વ્યૂ દર્શાવે છે તેમજ વેલ્ડની ગુણવત્તાનું વિશ્લેષણ કરીને પોરોસિટી, અન્ડરકટ, સ્પેટર અને પેનેટ્રેશન જેવા સંભવિત ખામીઓની ઓળખ કરે છે. આથી વેલ્ડર પોતાની તકનીકી ખામીઓને તરત સમજીને તેમાં જરૂરી સુધારો કરી શકે છે.

આ સિમ્યુલેટર વિવિધ પ્રકારની વેલ્ડિંગ તથા કટિંગ પ્રક્રિયાઓમાં પ્રશિક્ષણ આપવા માટે સક્ષમ છે. તેમાં SMAW (સ્ટિક વેલ્ડિંગ), MIG/MAG, TIG તેમજ પ્લાઝ્મા કટિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વેલ્ડરોને વિવિધ વેલ્ડિંગ પોઝિશન, જેમ કે ફ્લેટ, હોરિઝોન્ટલ, વર્ટિકલ તેમજ ઓવરહેડ પોઝિશનમાં પણ પ્રશિક્ષણ આપી શકાય છે.આના દ્વારા વાસ્તવિક જાળવણી કામગીરી દરમિયાન આવતી વિવિધ પરિસ્થિતિઓને અનુરૂપ વેલ્ડરોની દક્ષતા વિકસાવવામાં મદદ મળશે.

ખાસ કરીને રેલવે જાળવણી કામગીરીને ધ્યાનમાં રાખીને સિમ્યુલેટરમાં ભારતીય રેલવેનું સમર્પિત તાલીમ પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેના અંતર્ગત સંપૂર્ણ કદના વર્ચ્યુઅલ BOXN વેગન, હોપર વેગન તેમજ કવર્ડ વેગન બોડી, ઉપરાંત કોચના એન્ડ અને સાઇડ પેનલ જેવી સંરચનાઓ પર વેલ્ડિંગનો અભ્યાસ કરાવી શકાય છે.આ સુવિધાના માધ્યમથી વેલ્ડરોને વર્કશોપ તથા ડેપોમાં નિયમિત જાળવણી કામગીરી દરમિયાન જે વાસ્તવિક સંરચનાઓ અને જોબ્સ પર તેઓ કાર્ય કરે છે, તેવી જ સંરચનાઓ પર પ્રશિક્ષણ મેળવવાની તક મળશે.

પ્રશિક્ષણ પ્રણાલીમાં બેઝિકથી પ્રોફેશનલ સ્તર સુધીના ગ્રેડેડ કોર્સ ઉપલબ્ધ છે, જેના દ્વારા વેલ્ડરોની ક્ષમતા અનુસાર તબક્કાવાર તાલીમ આપી શકાશે. સોફ્ટવેરમાં અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓનો વિકલ્પ ઉપલબ્ધ છે.દરેક વેલ્ડર માટે અલગ લોગિનની સુવિધા હોવાથી તેના પ્રશિક્ષણ, પ્રદર્શન અને પ્રગતિનો ડિજિટલ રેકોર્ડ સુરક્ષિત રીતે જાળવી શકાય છે. આ ઉપરાંત, સિસ્ટમ દ્વારા ડાઉનલોડ કરી શકાય તેવી ટેસ્ટ રિપોર્ટ ઉપલબ્ધ થાય છે, જેના માધ્યમથી દરેક વેલ્ડરના પ્રદર્શનનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરી શકાય છે.

આ સુવિધા ખાસ કરીને રેલવેના સુરક્ષા-સંવેદનશીલ વેલ્ડિંગ કાર્યો માટે મહત્વપૂર્ણ છે. વાસ્તવિક વેગન અને કોચિંગ સ્ટોક પર કામગીરી કરતાં પહેલાં વેલ્ડરોને સિમ્યુલેટર પર પૂરતી પ્રેક્ટિસ અને મૂલ્યાંકનની તક મળશે.આનાથી વેલ્ડિંગની ગુણવત્તામાં સુધારો, ખામીયુક્ત વેલ્ડની સંભાવનામાં ઘટાડો તેમજ જાળવણી કામગીરીમાં વધુ એકરૂપતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

મિક્સ્ડ રિયાલિટી આધારિત આ પ્રશિક્ષણ પ્રણાલી દ્વારા ફ્રેટ વેગનોમાં વેલ્ડ રિપેરની ગુણવત્તા અને વિશ્વસનીયતા વધારવામાં, ફરીથી થતી રિપેરની જરૂરિયાતમાં ઘટાડો લાવવામાં તેમજ વેગનોના બિનજરૂરી ડિટેન્શનને ઘટાડવામાં મદદ મળવાની અપેક્ષા છે.આ ઉપરાંત, પરંપરાગત પ્રશિક્ષણ દરમિયાન ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રોડ, વેલ્ડિંગ વાયર, ગેસ તેમજ સ્ટીલ પ્લેટ જેવી સામગ્રીના વપરાશમાં પણ ઘટાડો થશે. વાસ્તવિક આર્કના ઉપયોગના અભાવને કારણે પ્રશિક્ષણ દરમિયાન દાઝવાથી થતી ઇજા, ધુમાડો તથા ફ્યુમ સંબંધિત જોખમોમાં પણ ઘટાડો થશે.

મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના નિર્દેશ અનુસાર આ સુવિધાનો લાભ માત્ર સાબરમતી વેગન ડેપો સુધી મર્યાદિત રાખવામાં આવશે નહીં. મંડળના ગાંધીધામ, ભુજ તથા કાંકરિયા ખાતે આવેલા C&W ડેપોમાં કાર્યરત વેલ્ડરો તેમજ સંબંધિત જાળવણી સ્ટાફને પણ નિર્ધારિત બેચમાં સાબરમતી વેગન ડેપો ખાતે આવેલી આ અત્યાધુનિક પ્રશિક્ષણ સુવિધામાં પ્રશિક્ષણ આપવામાં આવશે.તબક્કાવાર તાલીમના માધ્યમથી વધુમાં વધુ કર્મચારીઓને આ ટેક્નોલોજીથી પરિચિત કરવામાં આવશે તેમજ તેમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરીને જરૂરિયાત અનુસાર આગળનું  પ્રશિક્ષણ નક્કી કરવામાં આવશે.

અમદાવાદ મંડળ દ્વારા રેલવે જાળવણી વ્યવસ્થામાં આધુનિક ટેક્નોલોજી, સિમ્યુલેશન આધારિત તાલીમ, કૌશલ્ય વિકાસ તથા સુરક્ષાને પ્રોત્સાહન આપવાની દિશામાં આ પહેલ સુરક્ષિત, ગુણવત્તાસભર અને વિશ્વસનીય રેલવે સંચાલન સુનિશ્ચિત કરવાની સાથે જાળવણી કર્મચારીઓના તકનીકી ઉન્નતીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.

Tags: સાબરમતી વેગન ડેપો પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ

સંબંધિત સમાચાર